વૈષ્ણવ જન તો
વૈષ્ણવ જન તો તેને કહીએ,જે પોડ પરાઇ જાણે રે;
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે...
સકળ લોકમાં, સહુને વંદે, નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે...
સમ દ્રષ્ટીને તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત રે
જીહ્વા થકી અસત્ય ન બોલે, પર ધન નવ ઝાલે હાથ રે...
મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શું તાળી લાગે, સકળ તિરથ તેના તનમાં રે...
વણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈંયો તેનું દર્શન કરતાં કુળ ઈકોતેર તાર્યા રે...
–નરસિંહ મહેતા